ભારતમાં વ્યક્તિગત વિદેશી રોકાણની મર્યાદા વધારીને 10 ટકા કરવાની ચર્ચા
ભારતમાં વ્યક્તિગત વિદેશી રોકાણની મર્યાદા વધારીને 10 ટકા કરવાની ચર્ચા
Blog Article
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લિસ્ટેડ કંપનીઓમાં વ્યક્તિગત વિદેશી રોકાણકાર માટેની મર્યાદા પાંચ ટકાથી વધારીને 10 ટકા કરવાની તૈયારીમાં છે. ગત સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટમેન્ટ (એફઆઈઆઈ)એ ભારતીય ઈક્વિટીમાં જંગી વેચવાલી કરી છે તેની ભરપાઈ કરવા આરબીઆઈ આવું પગલું લેશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા સરકાર અત્યાર સુધી વિદેશવાસી ભારતીયોને જે લાભ આપતી હતી તેનો વ્યાપ વધારીને અન્ય વિદેશી વ્યક્તિને પણ આપવા તૈયારી કરી રહી છે.
અત્યારે લિસ્ટેડ ભારતીય કંપનીમાં વિદેશવાસી ભારતીય નાગરિકો માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ સ્પેશ્યલ રૂલ દ્વારા 5 ટકા રોકાણ જાળવી શકે તેવી જોગવાઈ છે. હવે આ મર્યાદા વધારીને 10 ટકા કરવાની સરકારની યોજના છે અને તેનો વ્યાપ માત્ર વિદેશોમાં વસતા ભારતીયો (NRIs) અને ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCIs) જ નહીં, પરંતુ તમામ વિદેશી વ્યક્તિગત રોકાણકારો માટે વધારાશે.
આ ઉપરાંત આરબીઆઈ તમામ વિદેશી ઈન્ડિવિડ્યૂઅલ રોકાણકારોનું કુલ સંયુક્ત રોકાણ ભારતીય લિસ્ટેડ કંપનીઓમાં મહત્તમ 24 ટકા કરવાની પણ વિચારણા કરી રહી છે જે અત્યારે 10 ટકા છે. આ મર્યાદા વધારવા અંગે આરબીઆઈ, સેબી અને સરકારી અધિકારીઓ વચ્ચે અંતિમ તબક્કાની વાતચીત થઈ રહી છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત થઈ શકે છે.